ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ભારત – ૧ (Ease of Doing Business & India – 1)

નમસ્કાર વાચક મિત્રો,

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વિષય પરના અગાઉના લેખમાં આપણે જોયું કે, વિશ્વ બેંક દ્વારા તેના ૧૯૦ સભ્ય દેશોના અર્થતંત્રને સુદ્રઢ તથા વિકસિત બનાવવાના આશય સાથે ‘ડુઇંગ બિઝનેસ’ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન હેઠળ સભ્ય દેશોના અર્થતંત્રમાં નવો ધંધો શરૂ કરવા અને તે ચલાવવા નિયમનકારી વાતાવરણ એટલે કે, જે-તે દેશના કાયદા અને નિયમોની જોગવાઇઓનો અભ્યાસ કરવામાં આવે છે, તેને સમજવામાં આવે છે અને દરેક સભ્ય દેશનું અર્થતંત્ર વિશ્વ કક્ષાનું બને અને તેનો વધુમાં વધુ વિકાસ થાય તેવા હેતુ સાથે જરૂરી સૂચનો કરવામાં આવે છે. ત્યારબાદ આ સૂચનો અને સુધારાઓની અમલવારીનું સર્વેક્ષણ પણ કરવામાં આવે છે. સભ્ય દેશોના અર્થતંત્રમાં એવા સુધારાઓ સુચવવામાં અને તેનું અમલીકરણ કરવા આગ્રહ રાખવામાં આવે છે, જેથી તેઓના દેશમાં નવા ધંધા-વ્યવસાય શરૂ કરવા સરળ બને, તેને ચલાવવામાં અનુકૂળતા રહે, વધુ ધંધા-વ્યવસાય શરૂ થતા વધુ રોજગારીની તકો ઉભી થાય, જેના પરિણામ સ્વરૂપ નાગરિકોની માથાદીઠ આવકમાં વધારો થાય અને આમ, દેશનો સર્વગ્રાહી અને સાતત્ય પૂર્ણ વિકાસ થાય.

વિશ્વ બેંક દ્વારા આ પ્રોજેક્ટ વર્ષ – ૨૦૦૨માં અમલમાં મૂકવામાં આવેલ હતો. વિશ્વ બેંક વિવિધ સભ્ય દેશોના પૂર્વનિર્ધારીત શહેરો(ભારતમાં દિલ્હી અને મુંબઈ)માં સુચવેલા માપદંડો આધારિત અભ્યાસ કરે છે અને તે મુજબ ૧૯૦ દેશોને ક્રમ આપવામાં આવે છે. પ્રથમ ડુઇંગ બિઝનેસ અહેવાલ, વર્ષ – ૨૦૦૩માં ૫ (પાંચ) સૂચક આંકો આધારિત ૧૩૩ દેશોના અભ્યાસ આધારે જાહેર કરવામાં આવેલ હતો. જ્યારે વર્ષ – ૨૦૧૯ના અહેવાલમાં ૧૧ (અગિયાર) સૂચક આંકો અને તેના આધારિત ૧૯૦ દેશોનો અભ્યાસ કરી તેના અવલોકનો અને દેશોના ક્રમ સાથેનો અહેવાલ જાહેર કરવામાં આવેલ છે.

ભારતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અભિયાનના સંકલન, દેખરેખ, નિરીક્ષણ અને નિયંત્રણ માટે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન માટેના વિભાગ (Department for Promotion of Industry and Internal Trade – DPIIT) દ્વારા આગેવાની લેવામાં આવેલ છે. ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન માટેના વિભાગ દ્વારા ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અભિયાનને સફળ બનાવવા નીચે મુજબના મુખ્ય પગલાઓ લેવામાં આવેલ છે.

૧. વિશ્વ બેંકની નિષ્ણાત ટીમના સહયોગથી વૈશ્વિક શ્રેષ્ઠ કાર્યપ્રણાલી પર આધારિત વ્યાપાર સુધારણા કાર્ય યોજનાતૈયાર કરી અમલમાં મૂકવામાં આવી છે.

૨. વ્યાપાર સુધારણા કાર્ય યોજનાની સરળ અમલવારી માટે વિવિધ નોડલ વિભાગોની નિયુક્તિ અને ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલ છે.

૩. અર્થતંત્રમાં સુધારાઓના અમલીકરણ માટે વિવિધ વિભાગોને પ્રોત્સાહિત કરવા તથા તેઓની સાથે સંકલનની કામગીરી.

૪. ઉપભોક્તાઓ અને અન્ય પક્ષકારોની જાગરૂકતા માટે સુધારાઓની માહિતીની બહોળી પ્રસિદ્ધિને લગતી કામગીરી.

૫. સુધારાઓના અમલીકરણ દરમ્યાન રહી ગયેલ ત્રૂટીઓ જાણવી અને તેને દૂર કરવા નિયમિત પ્રતિભાવો મેળવવા.

૬. અમલમાં મૂકવામાં આવેલા સુધારાઓની નિયમિત સમીક્ષા કરવી અને તેના અમલીકરણમાં આવતા અવરોધો દૂર કરવા.

૭. દેશના તમામ રાજ્યોમાં વ્યાપાર સુધારણા કાર્ય યોજનાની અમલવારીનુંસંકલન, દેખરેખ અને તેના ઉપર નિયંત્રણની કામગીરી.

૮. સુધારાઓ સમજવા અને તેના સુચારૂ અને સુદ્રઢ અમલીકરણ માટે વિશ્વ બેંકની ડુઇંગ બિઝનેસ ટીમની સમયાંતરે મુલાકાત કરવી અને તેની સાથે અસરકારક સંવાદ સાધવો.

ઉક્ત પરિવર્તનશીલ પગલાઓની ફલશ્રુતિ રૂપે વિવિધ ક્ષેત્રોમાં ઘણા સુધારાઓ અમલમાં આવેલ છે. ૧) વૈધાનિક અને નિયમનકારી સુધારાઓ જેવા કે, માલ અને સેવા કરની અમલવારી, ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી (નાદારી) કોડ, વાણિજ્યિક અદાલત અધિનિયમ વગેરેની અમલવારી, એકીકૃત ઇમારત પેટા નિયમોનું અમલીકરણ, લવાદી અને સમાધાન અધિનિયમ તથા કંપની કાયદામાં સુધારા વગેરે. ૨) સરકારી પ્રક્રિયા પુન: નિર્માણ(Government Process Reengineering)ને લગતી બાબતો જેવી કે, બાંધકામની મંજુરી માટે કોમન એપ્લિકેશન ફોર્મ, બાંધકામ મંજુરી મેળવવા માટે સંયુક્ત નિરીક્ષણ, ધંધો શરૂ કરવા તથા બાંધકામ મંજુરી મેળવવા માટે માની લેવામાં આવેલ (ડીમ્ડ) મંજુરીની પ્રથાની અમલવારી, ઝડપી કસ્ટમ મંજૂરી માટે સીધા બંદરની અંદર આવવાની મંજૂરી, નવી કંપની સ્થાપવાની વિવિધ પાંચ સેવાઓ માટે એક જ ફોર્મ – Simplified Proforma for Incorporating Company (SPICe). ૩) ઉદ્યોગસાહસિકોમાં વિશ્વસનીયતા દર્શાવતા અગત્યના પગલાઓ જેવા કે, વિદેશ વેપાર અને બાંધકામની મંજુરી માટે જોખમ આધારિત રૂપરેખા અને મંજુરીની અમલવારી, સ્વ-પ્રમાણપત્ર અને ત્રાહિત પક્ષકારના પ્રમાણપત્રોને માન્યતા, ઇ-બાહેંધરીને બદલે નોટરાઇઝ્ડ સોગંદનામાની અમલવારી. ૪) વિવિધ મંજૂરીઓ ફી મુક્ત કરવામાં આવેલ છે અથવા ફીમાં ઘટાડો કરવામાં આવેલ છે જેમ કે, શોપ અને એસ્ટાબ્લીસમેન્ટ કાયદા હેઠળ નોંધણી માટે કોઇ ફી નહીં, બાંધકામની મંજુરી માટેની ફીમાં ઘટાડો, વીજળી કનેકશન મેળવવા માટેની ફીમાં ઘટાડો વગેરે.

આમ, દેશના અર્થતંત્રને ખરા અર્થમાં વેગવંતુ બનાવવા, માળખાકીય સુધારાઓ લાવવા, વિવિધ દેશોની શ્રેષ્ઠ કાર્યપ્રણાલીઓ અમલમાં મુકી વિશ્વ કક્ષાનું બનાવવા અને સાતત્ય પૂર્ણ વિકાસ હાંસલ કરવા માટે મૂળભૂત પરિવર્તનશીલ પગલાઓ ભરવામાં આવ્યા. આ સુધારાઓની અમલવારી કરવા બધા રાજ્યો વચ્ચે સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરી પ્રોત્સાહિત કરવામાં આવી રહેલા છે કે જેથી સમગ્ર દેશના તમામ રાજ્યોનો એકસરખો અને એકસાથે વિકાસ થાય. વિશ્વના ૧૯૦ દેશો પૈકી ભારતના છેલ્લા એક દશકાના ક્રમ નીચે મુજબ છે:

Ranks

વર્ષ – ૨૦૧૯માં રજુ થયેલ ૧૬મા અહેવાલમાં ભારતના ક્રમમાં ગત વર્ષની સરખામણીએ ૨૩ અંકોના સુધારા સાથે ૭૭મો ક્રમ છે જે અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ક્રમાંક છે.

વર્ષ – ૨૦૧૯માં પ્રસિધ્ધ થયેલ ૧૬મા અહેવાલમાં વિશ્વના ૧૯૦ દેશો દ્વારા તા. ૨જી જુન, ૨૦૧૭ થી ૧લી મે, ૨૦૧૮ દરમ્યાન લેવામાં આવેલા સુધારાત્મક પગલાઓનો અભ્યાસ કરવામાં આવેલ છે, જેમાં સૌથી વધુ સુધારાઓ અમલમાં મૂકનાર ટોચના ૧૦ દેશોમાં ભારતનું નામ સામેલ છે અને ભારતનો ૧૦ પૈકી ૬ સૂચક આંકોના ક્રમમાં સુધારો થયેલ છે.

ભારત વિશ્વભરના દેશોમાં સૌથી વધુ સુધારાઓ અમલમાં મૂકનાર ટોચના દેશોની યાદીમાં સતત બીજા વર્ષે પણ સ્થાન પામ્યું છે.

દક્ષિણ એશિયાઇ અને બ્રિક્સ (બ્રાઝિલ સંઘીય ગણરાજ્ય, રશિયન સંઘ, પ્રજાસત્તાક ભારત, લોકોનું પ્રજાસત્તાક ચીન અને દક્ષિણ આફ્રિકા ગણરાજ્ય) દેશોમાં સૌથી વધુ સુધારા અમલમાં મૂકતાં દેશોમાં પ્રથમ સ્થાન મળેલ છે.

વર્ષ ૨૦૧૪ની સરખામણીએ દક્ષિણ એશિયાઇ દેશોમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરવામાં આવેલ છે.

વર્ષ ૨૦૧૪ની સરખામણીએ બ્રિક્સ દેશોના સંદર્ભમાં પાંચમા સ્થાનેથી ત્રીજા સ્થાને બઢતી.

ભારતના ક્રમમાં છેલ્લા બે વર્ષમાં ૫૨ અને છેલ્લા ચાર વર્ષમાં ૬૫ અંકોનો સુધારો.

ગત વર્ષના Distance to Frontier – DTF આંક(વૈશ્વિક શ્રેષ્ઠ કાર્યપ્રણાલીની અમલવારીથી જે-તે દેશનું અર્થતંત્ર કેટલું દૂર છે તે દર્શાવતો આંક)માં ૬૦.૭૬ થી ૬૭.૨૩ મુજબનો સુધારો.

વર્ષ – ૨૦૦૮થી અત્યાર સુધી હાથ ધરવામાં આવેલ એક પણ સુધારા માટે વિશ્વ બેંક દ્વારા સુધારો કરવાથી સરળતા ઘટી હોય તેવું નકારાત્મક તારણ આપેલ નથી.

આમ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અભિયાન હેઠળ વિવિધ સૂચક આંકને લગતા કરવામાં આવેલા સુધારાઓથી અર્થતંત્રમાં હકારાત્મક ફેરફાર આવેલ છે અને વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ક્રમમાં સુધારો થયેલ છે તેમજ  વિશ્વભરમાં દેશની શાખ વધી છે. વિદેશી રોકાણકારનો અર્થતંત્રમાં વિશ્વાસ વધતાં વિદેશી રોકાણ વધી રહ્યું છે, જે દેશના સર્વગ્રાહી અને સ્થિર વિકાસના મજબુત પાયા સમાન છે.

વાચક મિત્રો આશા રાખું છું કે, આ લેખ આપને માહિતી સભર રહેશે. આ બ્લોગ વાંચીને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં…. આભાર…

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (Ease of Doing Business – EoDB)

નમસ્કાર વાચક મિત્રો,

પહેલા તો અગાઉના ‘શું શિક્ષિત કર્મચારી નગરી (ગાંધીનગર) ખરેખર કેળવણી પામેલ છે?’ વિષય પરના બ્લોગને બહોળા પ્રમાણમાં મળેલ પ્રતિસાદ બદલ આપ સહુનો હ્રદયપૂર્વક આભારી છું.

આજે આપણે એક એવા વિષય વિશે વાત કરીશું જે આપણા અર્થતંત્રને પાયાથી સુધારવામાં અને વૈશ્વિક કક્ષાના ધારા-ધોરણો સાથે સુસંગત એવું સમૃદ્ધ અર્થતંત્ર ઊભું કરવા માટે અગત્યની છે. ખાનગી ક્ષેત્રનો વિકાસ એ કોઇપણ અર્થતંત્ર સમૃદ્ધ થવાની પૂર્વશરત છે, એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. જ્યારે સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ થાય છે, ત્યારે વધુને વધુ રોજગારીની તકો ઉભી થાય છે અને રોજગારી વધતા માથાદીઠ આવકમાં વધારો થાય છે. જેના પરિણામ સ્વરૂપ પ્રજાની ખર્ચ કરવાની ક્ષમતા વધે છે અને ઘરેલું રોકાણ પણ વધે છે. આ પરિસ્થિતિને સર્વગ્રાહી રૂપે જે-તે દેશ, રાજ્ય કે વિસ્તારની આર્થિક સુખાકારી અને સાચા અર્થમાં આર્થિક વિકાસ કહી શકાય.

કોઇપણ જવાબદાર સરકારે તેના દેશની આર્થિક સુખાકારી અને વિકાસ માટે સ્થાનિક નાના અને મધ્યમ કદના સાહસો (એસએમઇ)ને પ્રોત્સાહિત કરવા જોઇએ તથા તેને અનુકૂળ વ્યાવસાયિક નિયમનના કાયદાઓ અને નિયમો બનાવવા જોઇએ. અસરકારક ધંધાદારી નિયમન કાયદાઓ સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના એકમોને વિકસવા તથા નવીનીકરણ માટે આધારભૂત બને છે. આપણે જાણીએ જ છીએ કે, ભારતના કુલ ઘરેલું ઉત્પાદન (જીડીપી)માં નાના અને મધ્યમ કદના સાહસો (એસએમઇ)નો સિંહફાળો છે.

વિશ્વભરમાં વિવિધ દેશોના વ્યવસાય માટેના નિયમનકારી વાતાવરણને સમજવા અને તેને સુધારવા તથા વૈશ્વિક કક્ષાના બનાવવાનો ઉદ્દેશ્ય પૂરો કરવાના મુખ્ય આશય સાથે વિશ્વ બેંક (વર્લ્ડ બેંક) દ્વારા “ડુઇંગ બિઝનેસ” પ્રોજેક્ટ અંતર્ગત વ્યવસાયી નિયમનમાં સુધારાઓ માટે હેતુલક્ષી માપદંડો સુચવવામાં આવે છે. વિશ્વ બેંક દ્વારા આ પ્રોજેક્ટ વર્ષ – ૨૦૦૨માં અમલમાં મૂકવામાં આવેલ હતો. વિશ્વ બેંક વિવિધ દેશોના નક્કી કરેલા શહેરો (ભારતમાં દિલ્હી અને મુંબઈ)નો સુચવેલા માપદંડો આધારિત અભ્યાસ કરે છે અને તે મુજબ ૧૯૦ દેશોને ક્રમ આપવામાં આવે છે. પ્રથમ ડુઇંગ બિઝનેસ અહેવાલ, વર્ષ – ૨૦૦૩માં ૫ (પાંચ) સૂચકાંકો આધારિત ૧૩૩ દેશોના અભ્યાસ આધારે જાહેર કરવામાં આવેલ હતો. જ્યારે વર્ષ – ૨૦૧૯ના અહેવાલમાં ૧૧ (અગિયાર) સૂચકાંકો અને તેના આધારિત ૧૯૦ દેશોનો અભ્યાસ કરી તેના અવલોકનો અને દેશોના ક્રમ સાથેનો અહેવાલ જાહેર કરવામાં આવેલ છે. વિશ્વ બેંક (વર્લ્ડ બેંક) દ્વારા નિયત કરવામાં આવેલા વિવિધ ૧૧ માપદંડો આ મુજબ છે:

૧. નવો ધંધો – વ્યવસાય શરૂ કરવો – નવો ધંધો – વ્યવસાય શરૂ કરવાની પ્રક્રિયા, સમય, ખર્ચ તથા ઓછામાં ઓછી મૂડીની આવશ્યકતા, વિવિધ પરવાનાઓ વગેરે.

૨. બાંધકામના પરવાના – બાંધકામના પરવાનાને લગતી જોગવાઈઓ જેવી કે, ગોદામ બાંધવાના પરવાનાની પ્રક્રિયા, સમય અને ખર્ચ.

૩. વીજળી મેળવવી – નવા ધંધાના મકાન-દુકાન માટે કાયમી વીજ જોડાણ મેળવવાની પદ્ધતિ, સમય અને ખર્ચ.

૪. મિલકતની નોંધણી – વ્યાવસાયિક હેતુથી નવી ખરીદવામાં આવેલ સ્થાવર મિલકતની નોંધણીની પ્રક્રિયા, સમય અને ખર્ચ.

૫. ધિરાણની ઉપલબ્ધિ – નવા સ્થાપવામાં આવતા ધંધા – વ્યવસાય માટે ધિરાણના ઉપલબ્ધ સ્ત્રોતો, પ્રક્રિયા, બાંહેધરીની આવશ્યકતા, ખર્ચ વગેરે.

૬. લઘુ રોકાણકરોની સુરક્ષા – ધંધાના માલિક/ડિરેક્ટરની જવાબદારી, શેરહોલ્ડરને દાવો દાખલ કરવાની સરળતા વગેરે.

૭. કર ચૂકવણી – કેટલા પ્રકારના કર ચૂકવવાના થાય છે? કરના પત્રકો ભરવામાં તથા અન્ય બાબતોમાં વ્યતીત થતો સમય, કાચા નફાના પ્રમાણમાં કરની ટકાવારી વગેરે.

૮. આયાત – નિકાસની સરળતા – આયાત – નિકાસ માટે જરૂરી દસ્તાવેજો, મંજુરીની પ્રક્રિયા, સમય અને ખર્ચ વગેરે.

૯. કરારની અમલવારી – દેવા કરારને અમલમાં મૂકવા માટેની પ્રક્રિયા, સમય અને ખર્ચ.

૧૦. નાદારીનું નિરાકરણ – નાદારીના કિસ્સામાં પતાવટની કાર્યવાહી હેઠળ વ્યતીત થતો સમય, ખર્ચ અને વસૂલાતનો દર વગેરે.

૧૧. કામદારોને રોજગારી – રોજગારીની તકો, વેતન, કામના કલાકો, સુવિધાઓ વગેરે.

નોંધ – ઉક્ત ૧૧ માપદંડો પૈકી વર્ષ – ૨૦૧૯માં પ્રસિધ્ધ થયેલ અહેવાલમાં પ્રથમ ૧૦ માપદંડોના અભ્યાસ તારણો ના આધારે ક્રમાંક આપવામાં આવેલ છે.

વિવિધ દેશોને તેઓના અર્થતંત્રમાં ધંધો સ્થાપવામાં ઉક્ત માપદંડોના પરીપ્રેક્ષ્યમાં કેટલી અનુકૂળતા પ્રદાન કરવામાં આવી છે? કે અનુકૂળ માહોલ ઉભો કરવા માટે કાયદાઓ અને નિયમોમાં કેવા અને કેટલા સુધારા-વધારા કરવામાં આવેલ છે? તેના આધારે ૧ થી ૧૯૦ મુજબ ક્રમ આપવામાં આવે છે. જે-તે દેશ કે અભ્યાસ એકમમાં સ્થાનિક કંપનીની સ્થાપનાથી લઇ સંચાલન અને આનુષંગિક બાબતો માટેની અનુકૂળતા મુજબ ગુણ આપવામાં આવે છે. અહીં તમામ માપદંડોને સરખુ મહત્વ આપવામાં આવેલ છે. જેમ ગુણ વધુ તેમ સ્થાનિક કંપનીની સ્થાપનાથી લઇ સંચાલન અને આનુષંગિક બાબતો માટેની અનુકૂળતા વધુ તેવું માનવામાં આવે છે. તમામ માપદંડો માટે મળેલ ગુણો મળી કૂલ ગુણ નક્કી કરવામાં આવે છે.

વર્ષ – ૨૦૧૯માં પ્રસિધ્ધ થયેલ ૧૬મા અહેવાલમાં વિશ્વના ૧૯૦ દેશો દ્વારા તા. ૨જી જુન, ૨૦૧૭ થી ૧લી મે, ૨૦૧૮ દરમ્યાન લેવામાં આવેલા સુધારાત્મક પગલાઓના અભ્યાસનો સમાવેશ કરવામાં આવેલ છે. વર્ષ – ૨૦૦૩થી અત્યાર સુધીમાં વિશ્વના તમામ દેશોએ મળી કુલ ૩૫૦૦થી વધુ સુધારાઓ કરેલ છે, જે પૈકી ૧૬મા અહેવાલના સમયગાળા દરમ્યાન ૧૯૦ માંથી ૧૨૮ દેશો દ્વારા ધંધા – વ્યવસાયની અનુકૂળતા વધારતા સર્વાધિક ૩૧૪ સૂધારાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. આ સૂધારાઓ પૈકી ૧/૩ સૂધારાઓ નવો વ્યવસાય શરૂ કરવા અને કરારની અમલવારીના ક્ષેત્રમાં કરવામાં આવેલા છે. વર્ષ – ૨૦૧૯માં રજુ થયેલ આ ૧૬મા અહેવાલમાં પ્રથમ ક્રમાંક પર ન્યુઝીલેન્ડ છે, જ્યારે ભારતનો ક્રમ ૭૭મો છે જે અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ક્રમાંક છે. આ સમયગાળામાં સૌથી વધુ સૂધારાઓ અમલમાં મૂકનાર ટોચના ૧૦ દેશોમાં ભારતનું નામ સામેલ છે. વળી, ભારત અને જીબૌટી (આશરે ૧૦ લાખની વસ્તી ધરાવતો આફ્રીકાનો ટચૂકડો દેશ) સૌથી વધુ સુધારાઓ અમલમાં મૂકનાર ટોચના દેશોની યાદીમાં સતત બીજા વર્ષે પણ ચમક્યા છે.

વિશ્વના ટોચના ક્રમ ધરાવતા અને ૧૬મા અહેવાલના સમયગાળામાં સૌથી વધુ સૂધારાઓ અમલમાં મૂકનાર ટોચના દેશોની યાદી નીચે મુજબ છે.

અનુ. નં.વિશ્વના ટોચના ૧૦ ક્રમ ધરાવતા દેશોસૌથી વધુ સૂધારાઓ અમલમાં મૂકનાર ટોચના ૧૦ દેશો
ન્યૂઝીલેન્ડઅફઘાનિસ્તાન
સિંગાપુરજીબૌટી
ડેનમાર્કચીન
હોંગ કોંગઅઝરબૈજાન
દક્ષિણ કોરિયાભારત
જ્યોર્જિયાટોગો
નૉર્વેકેન્યા
યુનાઈટેડ સ્ટેટ્સઆઇવરી કોસ્ટ
યુનાઈટેડ કિંગડમતુર્કી
૧૦મેસોડોનિયારવાંડા

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના ખ્યાલ અને તેના પરીપ્રેક્ષ્યમાં ભારત અને ગુજરાત વિશે કહેવું છે, જે હવે પછીના બ્લોગમાં આવરી લેવાનો પ્રયત્ન કરીશ.

વાચક મિત્રો, અગાઉના બ્લોગને આપેલ પ્રતિસાદ માટે ફરીથી આપના આભાર સહ આ બ્લોગને વધુમાં વધુ કોમેન્ટ અને સુચનોના સ્વરૂપમાં પ્રતિસાદ મળશે તેવી અપેક્ષા રાખુ છૂં તથા આગળ વધુને વધુ વાચક વર્ગ/મિત્રોને આ બ્લોગની લિંક મોકલવા આગ્રહભરી વિનંતી કરુ છૂં.