ડાકોર યાત્રા – જય રણછોડ… માખણ ચોર…

વ્હાલા સખા અને ભાઇ શ્રી નિધિપ જોશીને સમર્પિત

તાજેતરમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ડાકોર ખાતે આવેલ આવેલ અને વૈષ્ણવ સંપ્રદાયના ભક્તોના હ્રદયની નજીક એવા સુપ્રસિધ્ધ રણછોડરાયજી મંદિરની મુલાકાત લીધી. ડાકોર ગાંધીનગરથી ૧૦૦ કિ.મી.,  અમદાવાદથી ૮૪ કિ.મી. અને નડીયાદથી માત્ર ૩૬ કિ.મી.ના અંતરે આવેલું છે. ડાકોરની જનસંખ્યા આશરે ૨૫ હજારની છે જ્યારે સાક્ષરતા દર આશરે ૮૭% જેટલો છે. ગાંધીનગરથી ડાકોર જવા માટે ઘણા માર્ગો પૈકી ત્રણ-ચાર માર્ગો વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. પ્રથમ ગાંધીનગરથી કોબા સર્કલ થઇ સરદાર પટેલ રીંગ રોડ મારફતે મહેમદાવાદ અને મહુધા વાળા રસ્તે. બીજો કઠવાળા અને કઠલાલ થઇ ડાકોર. ત્રીજો ચિલોડા, દહેગામ થઇ છીપડી તથા કઠલાલના માર્ગે તથા ચોથા એક્સપ્રેસ હાઇ-વે થઇને પણ ડાકોર જઈ શકાય છે.

સામાન્ય રીતે કોઇપણ યાત્રાનો અહેસાસ ખૂબ આહલાદક, દિવ્ય અને તાજગી ભરી દેતો હોય છે, પરંતુ મારા માટે ડાકોર તેનાથી અદકેરું મહત્વ ધરાવતું યાત્રા સ્થળ છે. શ્રી કૃષ્ણ અને સુદામાજીની મિત્રતા એક મિશાલ છે એ આપણે જાણીએ છીએ અને તેણે જ મને મિત્રના રૂપમાં ભાઇની ભેટ આપેલ છે. શ્રી નિધિપ જોષી અને હું ૨૦૦૫-૦૬ આસપાસ એચડીએફસી બેંક (HDFC Bank)ની સહયોગી સંસ્થા એટલાસ ડોક્યુમેન્ટરી ફેસીલીટેટર કંપની પ્રાઇવેટ લીમીટેડ (ADFC Pvt. Ltd.) માં જોડે કામ કરતા હતા અને સારા મિત્રો હતા. ત્યારપછી ૨૦૦૬ની શરૂઆતમાં જોડે જ યુટીઆઇ બેંક (UTI Bank) હાલ એક્સીસ બેંક (Axis Bank)માં જોડાયા. મારું ફરજનું સ્થળ વલ્લભ વિદ્યાનગર શાખા હતું, જ્યારે શ્રી નિધિપ જોષીનું વડોદરા હતું. એક વખત મિત્ર નિધિપ વલ્લભ વિદ્યાનગર આવેલા અને અમે જોડે ડાકોર ગયેલા. આ સહયાત્રાની ફલશ્રુતિ રૂપે ભગવદ કૃપાથી અમારા મિત્રતાના સંબંધો ભાઈઓના સંબંધમાં પરિણમ્યા અને નિધિપના રૂપમાં ભાઇની ભેટ મળી. નિધિપભાઇ હાલ એચડીએફસી બેંક (HDFC Bank)માં રાજકોટ ખાતે ઉચ્ચ હોદ્દા ઉપર ફરજો બજાવે છે.

ગાંધીનગરથી ડાકોરની ૧૦૦ કિ.મી.ની યાત્રા માટે અમે પ્રથમ માર્ગ પસંદ કરેલો, જે દરમ્યાન ૪૦ થી ૪૫ કિ.મી.નો વિસ્તાર ગાંધીનગર – અમદાવાદની સરહદનો છે, જેથી મુસાફરી વખતે રસ્તાની બન્ને બાજુ ભૌતિક વિકસિત માહોલ જોવા મળે છે. મહેમદાવાદ પસાર કરી મહુધા તરફ આગળ વધતા આજુ-બાજુ આશરે અડધા જેટલા ખેતરો ખાલી હતા અને બાકીના ખેતરો પૈકી અમુકમાં ઉનાળું બાજરી અને અમુકમાં તમાકુનો પાક જોવા મળતો હતો. તો વળી કોઇ-કોઇ જગ્યાએ બટેટા અને ડુંગળીના ઢગલા જોઇ તાજેતરમાં કાઢવામાં આવેલા હોવાનું પ્રતિત થતું હતું. આ ઉપરાંત થોડા-થોડા અંતરે નીલગીરીના હરોળ બંધ વૃક્ષો સરસ દ્રષ્ટિગોચર થતાં હતા, એવામાં મહુધાથી ડાકોર જતા રસ્તાની જમણીબાજુ નિલગીરીના વૃક્ષોનું ઘનઘોર જંગલની પ્રતિતિ કરાવતું પણ સુવ્યવસ્થિત ખેતર જોવા મળ્યું અને તે પુરું થતાંની સાથે મુખ્ય રસ્તા પરથી ડાકોર તરફ જવા વળવાનો રસ્તો આવી ગયો. હવે ડાકોર ૩ કિ.મી. દૂર હતું.

ડાકોર સ્થિત રણછોડરાયજીનું મંદિર કે જ્યાં શ્રી દ્વારકાધિશજીની પુજા થાય છે તેના ઇતિહાસ વિશે વાત કરીએ તો, મંદિરની સ્થાપના પહેલા મહાભારતના સમયમાં આ વિસ્તાર ‘હિડંબા વન’ તરીકે ઓળખાતો. હિડંબા એ ભીમના પત્નિ અને ઘટોત્કચના માતા હતા. ઝરણાંઓ અને તળાવોથી સમૃધ્ધ અને વૃક્ષોથી ઘનઘોર તથા આનંદદાયી હોય, આ વન ઋષિ-મુનિઓ માટે તપ કરવા આશ્રમ સ્થાપવા આકર્ષણનું કેન્દ્ર રહેતું. ડંક નામના ઋષિ અહિં આશ્રમ બાંધી ભગવાન શંકરની તપસ્યા કરતા. તેઓના તપથી પ્રસન્ન થઇ ભગવાન શંકરએ વરદાન માંગવાનું કહ્યું જેમાં ઋષિ ડંકએ ભગવાન મહાદેવને પૃથ્વી પર રહેવા વિનંતી કરી. મહાદેવ તથાસ્તુ કહી અંતર્ધ્યાન થઇ ગયા અને શિવલિંગના સ્વરૂપમાં તેઓની પ્રતિકૃતિ છોડતા ગયા. જેનું મંદિર ડંકનાથ મહાદેવના નામે પ્રસિધ્ધ છે જે ગોમતી તળાવની પાળે આવેલું છે. તેના ઉપરથી આ ડાકોર વિસ્તાર પ્રાચીન સમયમાં ‘ડંકોર’ નામે પણ જાણીતો હતો.

વર્ષોના વહાણા વિતતા ગયા અને ડંકપુર ગામ ધીમે-ધીમે ડાકોરમાં પરિવર્તીત થઇ ગયું અને ડંકનાથ મહાદેવના નામે જાણીતું ડાકોર હવે શ્રી રણછોડરાયજી (શ્રી કૃષ્ણ ભગવાનનું એક સ્વરૂપ)ના નામે હાલ પ્રસિધ્ધ છે. ડાકોરમાં શ્રી રણછોડરાયજી મંદિરની સ્થાપના વિશે ઘણી દંતકથાઓ પ્રવર્તે છે. આવી એક દંતકથા અનુસાર, ડાકોરમાં રહેતા શ્રી કૃષ્ણ ભક્ત બોડાણા દર પૂનમના દિવસે નિયમિત દ્વારકા જતા અને ભગવાન શ્રી કૃષ્ણને તુલસી દલ અર્પણ કરતાં હતા. તેઓ વૃધ્ધ થતાં નિયમિતપણે દ્વારકા પહોંચી શકતા ન હતા. પરંતુ ભક્ત શ્રી બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઇ ભગવાન શ્રી કૃષ્ણએ તેમને વચન આપ્યું કે તેઓ પોતે ડાકોરમાં આવીને વસશે. આમ, ભગવાન શ્રી કૃષ્ણ ભક્ત બોડાણા સાથે ડાકોર આવ્યા અને એક મૂર્તિના સ્વરૂપમાં સ્થાયી થયા. આ બાબતની દ્વારકાના બાહ્મણોને જાણ થતા તેઓ મૂર્તિ લઇ જવા ત્યાં આવ્યા. ભક્ત શ્રી બોડાણાએ મૂર્તિ પાછી ન લઇ જવા વિનંતી કરતા, દ્વારકાના બાહ્મણોએ ભક્ત શ્રી બોડાણા ગરીબ છે તેવું જાણતા હોવાથી એવી શરત મૂકી કે, જો તેઓ મૂર્તિના વજન જેટલું સોનું આપે, તો તેઓ મૂર્તિને ત્યાં જ રહેવા દેશે. ભક્ત શ્રી બોડાણા ગરીબ હતાં પરંતુ રામચરિતમાનસમાં ગોસાઈ તુલસીદાસજીએ કહ્યું છે ને કે, ‘હોઇ હૈ સોઈ જો રામ રચિ રાખા’. ભગવાન શ્રી કૃષ્ણ ભક્ત બોડાણાના પત્ની ગંગાબાઇની નાકની વાળીથી પ્રભુ શ્રી કૃષ્ણ તોળાઇ ગયા. ભગવાન શ્રી કૃષ્ણને નાકની વાળીથી તોળ્યા હતા તે સ્થળ ગોમતી ઘાટ તરીકે ઓળખાય છે અને આજે પણ અસ્તિત્વમાં છે.

હાલના સુપ્રસિધ્ધ શ્રી રણછોડરાયજી મંદિરનું નિર્માણ વર્ષ ૧૭૭૨માં થયું હતું. આ મંદિર પવિત્ર ગોમતી તળાવની સમીપ આવેલું છે. મંદિરનો વિસ્તાર ૧૬૮ X ૧૫૧ ફૂટ છે તથા તેમાં ૮ ગુંબજો અને ૨૪ સોનેરી શિખરો આવેલા છે. આ મંદિર ૯૦ ફૂટ ઊંચુ અને તેના મુખ્ય ગુંબજની ટોચ ઉપર ધજા ચડાવવામાં આવે છે. મુખ્ય ગુંબજની રચના ઉપર મહારાષ્ટ્રીયન શૈલીના મંદિરની અસર જોવા મળે છે જ્યારે આખા મંદિરની રચના હિન્દુ-મુસ્લિમ સ્થાપત્યના સંયોજનને પ્રતિબિંબિત કરે છે. મંદિરના મુખ્ય કક્ષની દીવાલો ઉપર ભગવાન શ્રી કૃષ્ણના જીવનચરિત્રના દ્રશ્યો ચિતરવામાં આવેલા છે. પૂનમના દિવસે મોટા પ્રમાણમાં યાત્રાળુઓ અહીં દર્શન કરવા આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન ગાય છે અને ધજા અર્પણ કરે છે.

શ્રી રણછોડરાયજી મંદિરનો દર્શનનો સમય વૈષ્ણવ પરંપરા મુજબના આદર્શ સમય મુજબ સવારે ૬:૪૫ થી સાંજે ૭:૩૫ની વચ્ચે રાખવામાં આવે છે. દિવસ દરમ્યાન મંગલા, બાલ ભોગ, શૃંગાર ભોગ, ગ્વાલ ભોગ, રાજભોગ, ઉથાપન, શયન ભોગ તથા સખડી ભોગ વગેરે દર્શન સમયાંતરે થાય છે. અમે બપોરે ૩:૩૦ વાગ્યે ડાકોર પહોંચ્યા હતા એટલે ઉથાપનના દર્શન માટે ભક્તોની લાઇન થઇ જ ગયેલ હતી પરંતુ બહુ ભીડ ન હતી. બપોરે ૪:૦૦ વાગ્યા બાદ તરત જ જય રણછોડ… માખણ ચોર… અને શ્રી રણછોડરાયજી અને શ્રી દ્વારકાધિશના જય-જયકાર સાથે દર્શન ખૂલ્યા અને અમે સહકુટુંબ પત્ની, દિકરી, બહેન, ભાણેજ તથા સાસુ-સસરા બધા શ્રી રણછોડરાયજીના દિવ્ય અને રમણીય સ્વરૂપના મન ભરી દર્શન કરી કૃતાર્થ થયા. દર્શન કર્યા બાદ પ્રદક્ષિણા પથ પર કેસરવાળા દૂધનો સ્વાદ લીધો અને મંદિરની અંદર મળતા મગસના પ્રસાદને લેવાનું તો કંઇ ભૂલી શકાય? આ ઉપરાંત બહાર નીકળતા જામફળ, બખાઇ, ગૂંદી, જાંબુ અને નાના આમળા વગેરે તાજા ફળો મળતા હતા. ડાકોરની અન્ય એક પ્રખ્યાત ચીજ એ ગોટાનો લોટ, તેમાં મધ્યમ તીખો અને તીખો એવા બે પ્રકારના લોટ મળે છે દરેક વ્યક્તિ પોતાના સ્વાદ અનુસાર લઇ શકે. આ ઉપરાંત અહીં લોખંડની વસ્તુઓ જેવી કે, ખમણી, તળવાના જારા, બકડીયા, સાણસી વગેરે ગૃહ વપરાશની વસ્તુઓ પણ સારી મળે છે. 

દર્શન કરી બજારમાં થઇ નીકળતી વખતે પવિત્ર ગોમતી તળાવના જળપાનની ભાવના સાથે ત્યાં ગયા તો ખરા પણ ગંદકી!!!!! જળ માથે ચડાવીને ધન્ય થયાનો આત્મસંતોષ લીધો. આશા રાખીએ કે સ્થાનિક તંત્ર પવિત્ર ગોમતી તળાવની ચોખ્ખાઈ માટે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જરૂર પગલાં લેશે. અહીં મંદિરની આસપાસ ખાનગી પાર્કિંગ ફૂટી નીકળ્યા છે અને સામાન્ય માણસોએ તેનો જ ઉપયોગ કરવો પડે છે.

આમ, સુપ્રસિધ્ધ શ્રી રણછોડરાયજી મંદિર, ડાકોર પવિત્ર ક્ષેત્રની યાત્રા એક યાદગાર પ્રવાસ બની ગયો….

27 comments

 1. Udaybhai, greetings of the day. You really narrate it beautifully and I come back to know some unknown facts through this article. Keep going, keep writing.

  Like

 2. Khub saras pravas varnan. Vadhu saru banavavanu Hu aapne bhandev ji ni book mokalavish, vanchava vinanti..khub saras..Abhinandan..

  Like

 3. જય સ્વામિનારાયણ. ખુબ સરસ. રસાળ શૈલિમાં વણન કરેલ છે.ઉમદા લેખન કરી શકો છો. તમામ પાસા આવરી લીધેલા છે.

  Like

 4. ડાકોર યાત્રા નું ખુબ જ સરસ વર્ણન ગમ્યું. જાણે રૂબરૂ દર્શન કર્યા હોય તેવું ફીલ થયું. રણછોડરાયજીનું મંદિર કેવી રીતે સ્થપાયું તેની વિગતો અને દંતકથાઓ જાણીને ખૂબ જ આનંદ થયો. અમદાવાદથી નજીક હોવાથી ડાકોર દર્શન કરવા માટે ઘણીવાર જવાનું થાય છે પરંતુ ત્યાં દર્શન કર્યા પછી થોડીવાર રોકાવું હોય તો બહાર શેરીઓમાં ગંદકી, તળાવની ગંદકી, ગીચતા અને દુકાનોની ભરમાળ જોવા મળે છે. ઉનાળામાં બેસવા માટે કોઈ વ્યવસ્થિત જગ્યા ક્યાંય દેખાતી નથી. લોકલ ઓથોરીટી આનું સોલ્યુશન લાવી શકે છે. બહારના ભાગમાં વાળ ઉતારવા માટે અને લોકોને તોડવા માટેના કાંટાઓ વાળી દુકાનો જોવા મળે છે પરંતુ આનું જે કંઈ વિશેષ મહત્વ છે તે અંગે આપે પ્રકાશ પાડ્યો હોત તો વધુ મજા આવત. ભાયાણીભાઈ આપનો ખુબ આભાર. આવા બ્લોગ લખતા રહેશો.
  રજની આહયા

  Like

 5. બહુ જ સરસ વર્ણન છે સાહેબ. ઉપયોગી માહિતી અને રસ સભર પ્રવાસ વર્ણન.

  Like

 6. શ્રી ઉદયભાઈ.
  નમસ્તે. ભાઈશ્રી નિધિપભાઈને સમર્પિત આ બ્લોગમાં એમની સાથે માણેલા પ્રવાસના સંક્ષિપ્ત વર્ણનની સાથે સાથે ડાકોર ક્ષેત્રની ભૌગોલિક અને સ્થાનિક જાણકારી તથા ભગવાન શ્રી રણછોડરાયજી સંબંધિત પૌરાણિક અને મહત્વની સારરૂપ, તાદૃશ માહિતી જાણીને આપના પ્રવાસમાં સહભાગી હોવાની અનુભૂતિ થઈ છે.
  જિગર એલ. જોશી. જૂનાગઢ.

  Like

 7. ઉદય, ખરેખર 2006 ની યાદો તાજી થઈ ગઈ. ખૂબ જ સુંદર લખ્યું છે. રણછોડરાય ની કૃપા તો જો કે એ વખતે કોઇ પાસે માંગેલ વાહન માં ગયેલા આપણે ગાડી માં મુસાફરી કરતા થઈ ગયા.

  Like

Leave a comment

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s